શું તમારી આસપાસનાં એવા કોઈ સામાન્ય વ્યક્તિ વિશે જણાવશો કે જેનું જીવન બોધ સમાન છે?

 

દરેક વ્યક્તિ પાસે થી કંઈક તો શીખવા મળે છે પછી ભલે સારું કે ખરાબ.. મારી આસ પાસ એવા ઘણા વ્યક્તિઓ છે જેમનું જીવન મારા માટે તો પ્રેરણાદાયી બન્યું છે. થોડા લોકો વિશે અહીં લખું છું. જો બધા વિશે લખવા જાવ તો પાના ના પાના ભરાય.

ક્વાન્ગ: ક્વાન્ગ મારો વિયેતનામી મિત્ર છે એ અહીં એ P.HD. કરવા આવ્યો હતો અને અમે બંનેવ જોડે પાર્ટ ટાઈમ જોબ કરવા જતા. સ્ટુડન્ટ હતા ત્યારે અમે વેકેશન હોમ સાફ કરવાની જોબ કરતા હતા અને  અહીં જર્મન લોકો ને તો કેવું કે એ ઘર ની ચાવી આપી દે અને પછી ઘર તમારા ભરોસા પર એ લોકો વિશ્વાસ પર કામ કરે કે તમને જે સાફ સફાઈ નું કામ આપ્યું છે એ તમે પુરી મેહનત થી કરશો જ. ઘણા મિત્રો એવા કે ઘર ની સાફ સફાઈ જેવી તેવી કરે અને પછી ત્યાં ખાવાનું બનાવે અને સુઈ જાય થોડી વાર અને વેઠ ઉતારે એમ કહીયે તો પણ ચાલે. એક વાર મેં ક્વાન્ગ ને કીધું કે આપડે તો પુરી મેહનત થી કામ કરીયે છીએ તો થોડો કામ પાર  આરામ કરીયે તો કઈ વાંધો નહિ તો એને મને સરસ જવાબ આપ્યો, કે આરામ ઘરે કરવાનો અહીં આપડે કામ કરવા આવ્યા છીએ તો કામ કરવાનું ભલે એ લોકો નથી જોતા પણ આપડા પાર વિશ્વાસ રાખી ને પુરા પૈસા આપે છે કામ કરવાના એટલે આપડે એને જોઈતું પરિણામ આપવું જોઈએ. હરામ ના પૈસા જેટલા આવે એનાથી જલ્દી બમણા જતા રહે છે એટલે પોતાના આત્મા ને શાંતિ માટે આપડે કોઈ પણ કામ માં પુરી મેહનત અને પુરી શ્રદ્ધા થી કરવું જોઈએ. કોઈ ના જોવે તો ભગવાન તો જોવે જ છે અને તમને પોતાને ખબર છે તમે કેવું કામ કર્યું એટલે પોતાની જાત ને છેતરવું ના જોઈએ.

માથિયાસ: હું જયારે શુશી રેસ્ટોરન્ટ માં કામ કરતો હતો ત્યારે એ મારો બોસ હતો જોકે માલિક તો કોઈક બીજા જ હતા પણ એ મુખ્ય કૂક હતો અને કાઉન્ટર અને ઓર્ડર નું એ સાંભળતો. અને એમને અમને શુશી કેમ બનાવવું એ શીખવાડ્યું હતું. અમારી આવક લિમિટેડ હતી અમે કઈ બો કમાતા નોહતા પણ માથિયાસ પાસે થી ભલે તમારી જે આવક હોઈ પણ દિલ મોટું હશે તો તમારાથી આમિર વ્યક્તિ કોઈ નથી એ જાણવા કે શીખવા મળ્યું. એમાં એક વાર અમે કામ કરતા હતા અને અહીં ના સાંજ ના 4 વાગ્યા હશે અને એક વૃદ્ધ જર્મન દાદી માં આવ્યા શુશી નો ખાવા માટે. અહીં જર્મની માં ગરીબ લોકો બો નથી જોવા મળતા પણ ગરીબ તો છે જ અહીં પણ. એ હું શુશી બનાવતો હતો અને માથિયાસ ઓર્ડર લેવા ગયો ત્યારે દાદી માં એ કહ્યું કે મારી પાસે 4 યુરો છે તો એમાં શું આવશે, 4 યુરો માં નોર્મલી એક નાની એવી શુશી આવે અને એનાથી કઈ પેટ ના ભરાઈ. તો માથિયાસ એ કહ્યું કે 4 યુરો માં એક નાની શુશી આવશે તો દાદી એ કહ્યું ચાલશે મારી પાસે બો પૈસા નથી અને ભૂખ પણ બો લાગી છે તો માથિયાસે કહ્યું કે કસો વાંધો નહિ તમે 4 યુરો રાખો અને મને કહ્યું કે તને જે ઠીક લાગે એ એ કે બોક્સ ભરી ને શુશી બનાવી નાખ અને આ દાદી ને આપી દેજે. બસ આ જોઈને દિલ ખુશ થઇ ગયું. જયારે મેં બોક્સ દાદી ને આપ્યું ત્યારે એમના મોં પર નો આનંદ જોઈ ને લાગ્યું કે જીવન કેટલું સુખમય બની જાય જયારે લોકો નિસ્વાર્થ ભાવે એક બીજા ની મદદ કરે. તો એમની પાસે થી આશા રાખ્યા વગર મદદ કરવાનું શીખ્યો.

જોર્જી : જોર્જી  પાસે થી  કામ કરવા માટે કોઈ ઉમર નથી એ શીખ્યો. એ જાપાન થી વિશ્વયુદ્ધ પછી એમના ફેમિલી આમ થી તેમ ભટકતા યુરૉપ આવી પોહ્ચ્યા હતા અને જોર્જી જોડે મારે કામ કરવાનું થયું ત્યારે એ 55 વરસ ના હશે પણ કામ માં ફુર્તી એટલી કે વાત ના પૂછો અને આળસ જેવું તો નામ જ નહિ. વિકેન્ડ માં અમારે ઘરની વાર સવાર ના 11 થી રાતના 11 સુધી કામ કરવાનું થતું આખો દિવસ વગર થાકયે કામ કર્યે જ જાય અને મેં પૂછ્યું કે જોર્જી  તમે તો બો કામ કરો એને કહ્યું કે મારુ સપનું છે કે મારુ પોતાનું એક રેસ્ટોરન્ટ હોઈ અને થયું કે આ ને જો આ ઉંમરે પોતાના સપના પુરા કરવા માટે ની આટલી ધગશ છે તો આપડે હજુ જુવાન છીએ અને થોડી મેહનત વાળું કામ કરવાનું આવે તો થાકી ને બેસી જાય અને રોવા લાગે કે કેવું અઘરું જીવન છે. 

ક્રિસ અને ફેલિક્સ :ક્રિસ અને ફેલિક્સ બંનેવ મારી જેટલા જ ઉમર ના એમની પાસે થી કોઈ પણ સમય ને પુરે પૂરો કેમ માણવો એ શીખ્યો. ગમે તેવો સમય હોઈ ગમે એટલો વર્કલોડ હોઈ પણ એ લોકો તો પોતાની મસ્તી માં જ વગર ટેન્શન એ કામ કરે. ઘણી વાર થાય કે આ લોકો કામ પ્રત્યે ગંભીર કેમ નથી પણ ખરેખરમાં તો એ લોકો પોતાને આપ્યું હોઈ એના કરતા પણ વધુ કામ કરતા અને સાથે કામ કરવા વાળા ને આનંદ કરાવતા જાય એ અલગ થી. એટલે હંમેશા ખુશ રાહો કોને ખબર કાલ કેવી હોઈ.

પહેલવાન કાકા: પહેલવાન કાકા નામ તો એમનું શરીર બો ભરાવદાર હતું એ જોઈ ને પડ્યું હશે, એ અમારા ગૅરેજ માં કામ કરતા પગાર બો નહોતો પણ એમનું સપનું હતું કે એને એના છોકરા ને મારા જેમ ભણાવી ગણાવી ને વેદેંશ મોકલવો છે એટલે એ દિવસ રાત એક કરી ને કામ કરતા એના પરથી એ શીખવા મળ્યું કે દુનિયા માં ઘણા એવા લોકો છે જેમને કદાચ પરિસ્થિતિ ના લીધે આગળ વધવાનો ચાન્સ નહિ મળ્યો હશે પણ પોતાના બાળક ને સારું ભવિષ્ય મળે એના માટે દિવસ રાત એક કરી ને કામ કરતા. એટલે એના પરથી એ શીખવા મળ્યું તમારી પાસે જે છે એ કદાચ બીજા માટે એવું સપનું હોઈ જે મેળવવા માટે આ જન્મ માં બો અઘરું છે તો તમારી પાસે જે છે એના માટે ભગવાન નો આભાર માનો અને બીજા ના સપના પુરા કરવા મદદરૂપ બનો.

અરુણ: મારો સ્કૂલ સમય નો દોસ્તાર, એના પાપા 10 માં ધોરણ માં હતા ત્યારે ગુજરી ગયા અને ઘર ની બધી જવાબદારી એના પર આવી પડી, હવે એ સમયે અમે પાપા પાસે સાયકલ આપવી દો અને આ લાવી દો એવા નાટકો કરતા પણ આ બનાવ પછી ખબર પડી કે જેમના પાપા જ નથી એ બિચારાવ ને કેવું થતું હશે અને આપડી પાસે મોંઘી વસ્તુ જોશે તો એમને એના પાપા ની યાદ આવશે એટલે અમે દોસ્તારો બને એટલું સાદાઈ થી અને હોઈ એનાથી ચાલે એવું જીવન જીવતા અને પછી એની જ આદત પડી ગઈ. પણ અરુણ હંમેશા હસતો જ હોઈ અને કોઈ પણ વિકટ પરિસ્થી હોઈ તો કહે કે હશે નસીબ માં લખ્યું કઈ નહિ મારુ નસીબ આવતા વર્ષે ખુલવાનું છે એટલે લોડ નથી. એટલે પોતાને મોટીવેટ રાખવાનું એના પાસે થી શીખ્યો.

સ્ટેફાન : અત્યારે જે કંપની માં કામ કરું છું ત્યાં મારો બોસ છે. બોસ હોવા છતાં અભિમાન જેવું નહિ ટીમ પાસે કેમ કામ લેવડાવવું અને બધા જોડે કેમ સારો વ્યવહાર રાખવો એ એના પાસે શીખવા જેવું છે. બધા જોડે સરખી વાત કરશે અને કોઈ પણ નિર્ણય માં કંપની નો વિકાસ પેલા જોશે. એ કંપની ની સાથે સાથે ટીમ ને કેમ આગળ વધારવી એ પણ સારી રીતે જાણે છે.

આનેટ અને હૅરાલ્ડ: અમારા જર્મન દાદા દાદી, જયારે મારી દીકરી નો જન્મ થયો હતો ત્યારે હોસ્પિટલ માં આવી ને કહ્યું કે આજ થી અમે તારી દીકરી ના દાદા દાદી છીએ. એમના પાસે થી શીખવા જેવું એ છે કે એ કોઈ પણ દેશ ના હોઈ કે કોઈ પણ હોઈ એમના જોડે આરામ થી હળીભળી જાય છે અને આપડે કેમ ઘણી વાર વિચારીયે કે આ માણસ કેવો હશે સારો હશે કે નહિ એ લોકો પોઝિટિવ એટ્ટીટ્યૂડ થી કોઈ પણ ને આવકારે અનેદેશ વિદેશ ની સંસ્કુતિ જાણવામાં બો રસ અને હંમેશા મદદ માટે તૈયાર.

બીજા ભારતીય મિત્રો પણ ઘણા છે લિસ્ટ બો લાબું છે એટલે આટલા વિશે લખી ને અહીં પૂર્ણવિરામ કરું છું.


Comments

Popular posts from this blog

સંતો ઘરે આવતા હોઈ તો એમનું સ્વાગત કઈ રીતે કરવું જોઈએ

જર્મની નું ફાઇનાન્સ હબ: ફ્રેન્કફર્ટ

વધારે પડતા કામ અને જવાબદારીઓની વચ્ચે પોતાની માટે સમય કેવી રીતે કાઢી શકાય?